ગુજરાતમાં વસવાટ કરતાં વિચરતી અને વિમુક્ત જાતિનો સમુદાય મૂળ આદિકાળથી જ પ્રકૃતિની સાથે સમન્વય સાધી સરળ અને સહજ જીવન જીવી રહેલ છે. માયાળુ અને ભોળા આ સમુદાયનાં લોકોનાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે પ્રતિબદ્ધ બનીને અમારાં જેવાં છેવાડાના લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં તેમજ ખુશાલી લાવવમાં અગત્યની ભૂમિકા ભજવી છે.
"સોરઠ દેશ સોહામણો, એના ચંગા નરને નાર, જાણે સ્વર્ગથી ઉતર્યાં, દેવદેવી અણસાર...” એવી સૌરાષ્ટ્રની ગિરિ કંદરાઓ વચ્ચે ઓખામંડળ તાલુકામાં "ગોરીંગ” ગામનો વતની હું સુમાણી દેવુભા કાળુભા જી.દેવભૂમી દ્વારકાનો નિવાસી છું. ખડકાળ અને પથરાળ કાયાવાળા પ્રદેશમાં રહેતો, તેમાંય ધોરણ :- ૭ સુધી ભણેલાં હોવાથી આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હતી. પેટિયું રળીને રોજનો રોટલો ઘડી શકે એવું છુટક મજુરીનું સાધન પણ મળતું ન હોવાથી દરરોજ બાજુનાં શહેરમાં જઈને સાઈકલ વડે દૈનિક વર્તમાનપત્ર વહેંચવાનું કામ કરીને પરીવારનું ભરણ-પોષણ કરતા દિવસો ગુજારતો હતો. બે ટંકનું ભરપેટ ભોજન પણ અમારાં માટે દિવા-સ્વપ્ન સમાન હતું !!
આવી કઠીન પરિસ્થિતિમાં અમોને ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા વિચરતાં-વિમુક્ત સમુદાયને આપવામાં આવતી સીધા-ધિરાણ લોન-યોજનાની માહિતી મળતાં મેં ઓનલાઈન અરજી કરીને જરુરી સાધનિક કાગળો પૂરાં પાડતા, મને નિગમમાંથી "પશુપાલન”ના ધંધા/વ્યવસાય માટે રુ.૭૫,૦૦૦/- ની લોન મળી. કોરોના મહામારીમાં પશુપાલન થકી ઘરે જ પેટિયું રળી શકાય તેવું આવકનું સાધન મળી રહ્યું. પછી તો પુછવું જ શું ?! આર્થિક સંકડામણમાંથી બહાર આવીને મેં અમારા ગામની સહકારી દુધ ઉત્પાદક મંડળીમાં દુધ ભરાવીને માસિક રુ.૧૦,૦૦૦/- ની આવક મેળવું છું અને સાથે ગૌણ ઉપજ તરીકે છાણિયું ખાતર તૈયાર કરીને તેમાંથી જૈવિક ખાતર બનાવવાનો નવો ચીલો પાડીને પરોક્ષ રીતે બીજાને રોજગારી આપીને છેવાડાના માનવીનાં વિકાસને સાચા અર્થમાં સાર્થક કર્યો છે.
કંઈક કરી બતાવવાની ધગશ ધરાવતો વિચરતાં-વિમુક્ત સમુદાયનો હું સામાન્ય માણસ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સંયુક્ત સાહસની લોન-ધિરાણ યોજનાનો લાભ મળવાથી સ્વમાનભેર, આત્મવિશ્વાસ અને આત્મ ગૌરવથી જીવવા માટે સક્ષમ બન્યો છું. નયા ભારતનાં નિર્માણમાં અમારો છેવાડાનો વિચરતો-વિમુક્ત સમુદાય પણ સક્ષમ બની અગ્રિમ ફાળો આપી શકે તેવાં ગતિશીલ સરકારનાં સંવેદનશીલ પ્રયત્નો સૌના સાથ, સૌના વિકાસ મંત્રને યથાર્થ ઠેરવશે, એવી મને શ્રધ્ધા છે.
